ઓલટાઇમ ફેવરિટ ચેવડા


ઓલટાઇમ ફેવરિટ ચેવડા

સ્વાદિષ્ટ રેસિપિ

ઓલટાઇમ ફેવરિટ ચેવડા

સામાન્ય રીતે સવારમાં ક્યારેક બ્રેકફાસ્ટ બનાવવાનો કંટાળો આવે અથવા તો ટાઈમ ના હોય ત્યારે આવા ડ્રાય નાસ્તા ખુબ જ કામમાં આવતા હોય છે. ખાસ કરીને જે ઘરમાં બાળકોનો કલકલાટ હોય તેમના ત્યાં તો આ પ્રકારના નાસ્તાના ડબ્બા ભરીને જ રાખવા પડે.

મકાઈનો ચેવડો

મકાઈનો ચેવડો
સામગ્રી

- અડધો કપ મકાઈના પૌંઆ
-
પા કપ શિંગદાણા
-
પા કપ શેકેલા ચણા
-
પા ટીસ્પૂન રાઈ
-
પોણી ટીસ્પૂન લાલ મરચું પાવડર
-
પા ટીસ્પૂન ચાટ મસાલો
-
પા ટીસ્પૂન દળેલી ખાંડ
-
મીઠું સ્વાદ અનુસાર
-
તેલ જરૂર મુજબ
-
મીઠો લીમડો
રીત

સૌપ્રથમ એક પેનમાં એક ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં મીઠો લીમડો ઉમેરીને સાંતળો. લીમડો સંતળાય જાય એટલે તેમાં દાળિયા ઉમેરીને સાંતળો. ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં શિંગદાણા ઉમેરીને સાંતળો. શિંગદાણા શેકાય જાય એટલે તેમાં લાલ મરચું પાવડર, મીઠું, ચાટ મસાલો અને ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરો. એકાદ મિનિટ સાંતળ્યા બાદ તેમાં મકાઈના પૌંઆ ઉમેરીને પાંચેક મિનિટ માટે ધીમા તાપે સાંતળો. તૈયાર છે સ્વાદિષ્ટ કોર્નફ્લેક્સ મિશ્રણ. જ્યારે પણ ઈચ્છા હોય ત્યારે તેને ચા સાથે સર્વ કરો. આ મિશ્રણને એર ટાઈટ ડબ્બામાં ભરીને રાખો.

ફરાળી ચેવડો
ફરાળી ચેવડો
સામગ્રી

- પાંચસો ગ્રામ બટાકા
-
ત્રણસો ગ્રામ તલ
-
પચાસ ગ્રામ કાજુ
-
બે ચમચી લાલ મરચું પાવડર
-
બે ડાળખી મીઠો લીમડો
-
બે ચમચી બુરું ખાંડ
-
સો ગ્રામ શિંગદાણા
-
ત્રીસ ગ્રામ વરીયાળી
-
એક ચપટી લીંબુનો ફૂલ
-
મીઠું સ્વાદ અનુસાર
-
તેલ જરૂર મુજબ
-
લીલા મરચાં

રીત

સૌપ્રથમ બટાટાને છોલીને છીણી નાખવા. પછી બટાકાના છીણને પાણીમાં નાખીને કોરા કપડાં પર પથારી દેવું. એક કડાઈમાં તેલ ગરમ કરવું. તેમાં બટાકાના છીણને તળી લેવું. બધું છીણ તળાઇ જાય એટલે તેને એક ડિશમાં કાઢી લેવું. પછી આ જ તેલમાં શિંગદાણા, લીલા મરચાંના ટુકડા અને કાજુ તળી લેવા. પછી એ કડાઈમાં થોડું તેલ લઇ તેમાં વરિયાળી, તલ અને મીઠો લીમડો સાંતળી લેવો. પછી તેને છીણમાં નાખીને બરોબર સાંતળવું. તેમાં તળેલા કાજુ, લીલા મરચાના ટુકડા અને શિંગદાણા નાંખીને બરાબર હલાવવું. પછી બુરું ખાંડ, લાલ મરચું પાવડર અને લીંબુના ફૂલ નાખીને બરાબર મિક્સ કરી લેવું. પછી તેને બરણીમાં ભરી લેવું. લાંબા સમય સુધી સારો રહેશે આ ચેવડો.

ખાખરા અને પાપડનો ચેવડો ખાખરા અને પાપડનો ચેવડો
સામગ્રી

- આઠ નંગ ખાખરા
-
ચાર નંગ પાપડ
-
બે ચમચી શિંગદાણા
-
બે ચમચી દાળિયા
-
બે ચમચી તેલ
-
એક ચમચી રાઈ
-
એક ડાળખી મીઠો લીમડો
-
એક ચપટી હિંગ
-
મીઠું સ્વાદ અનુસાર
-
મરચું પાવડર
-
હળદર પાવડર
-
બુરું ખાંડ

રીત

સૌપ્રથમ પાપડને શેકી લો. ખાખરાનો ભૂકો કરી લો. પાપડનો પણ ભૂકો કરી લો. હાથેથી જ કરી શકશો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે પછી હિંગ અને મીઠા લીમડાના પાન અને શિંગદાણા ઉમેરીને સાંતળો. થોડીવાર શિંગદાણાને સાંતળો. બરાબર લાલ થાય એટલે એમાં ખાખરા પાપડનો ભૂકો નાખો. બધા મસાલા કરો. સ્વાદ મુજબ મીઠું નાખો. દાળિયા પણ નાખો. ગમે તો કાજુ કિશમિશ પણ નાખી શકાય. સ્વાદિષ્ટ અને સરળ ચેવડો તૈયાર. 

પૌંઆનો ચેવડો
પૌંઆનો ચેવડો
સામગ્રી

- પાંચસો ગ્રામ પૌંઆ
-
સો ગ્રામ દાળિયા
-
સો ગ્રામ સીંગદાણા
-
વીસ ગ્રામ કાજુ
-
વીસ ગ્રામ કિશમિશ
-
એક ચમચી વરિયાળી
-
એક ચમચી તલ
-
એક ચમચી હિંગ
-
અડધી ચમચી લીંબુના ફુલ
-
પંદર લીમડાના પાન
-
હળદર
-
મીઠું
-
મરચું

રીત

સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો. ત્યાર બાદ તેમા શિંગદાણા, દાળિયા, કાજુ, કિશમિશ વગેરે તળીને બાજુ પર મુકી દો. હવે એ જ તેલમાં પૌંઆ તળી લો. તળેલા પૌંઆમાં દાળિયા-શિંગદાણા, કાજુ, કિશમિશ મિક્સ કરો. હવે બીજી એક કઢાઈમાં વઘાર માટે તેલ મુકો. તેમાં વરિયાળી, તલ, હિંગ, લીમડો, હળદર અને મરચું નાખીને સાંતળો. હવે આ તેલ તળેલા પૌંઆમાં નાખી દો. હવે પૌંઆ ગરમ હોય ત્યારે જ ઉપરથી દળેલી ખાંડ, વાટેલા લીંબુના ફુલ, મીઠુ, સંચળ વગેરે નાખીને સારી રીતે હલાવો. તૈયાર છે પૌંઆનો ચેવડો. ઠંડો થતાં તેને એરટાઈટ ડબ્બામાં ભરી લો. દિવાળી પહેલા અને પછી પણ તમે આ નાસ્તાને આરામથી સર્વ કરી શકો છો.
સાબુદાણાનો ચેવડો
સાબુદાણાનો ચેવડો
સામગ્રી

- સો ગ્રામ નાયલોન સાબુદાણા
-
પચાસ ગ્રામ બટાકાનું છીણ
-
દોઢસો ગ્રામ વાટેલા કે દળેલા મગફળીના દાણા
-
એક ચમચી લાલ મરચું પાવડર
-
બે મોટી ચમચી દળેલી ખાંડ
-
મીઠું સ્વાદાનુસાર
-
તેલ તળવા માટે 

રીત

સૌપ્રથમ સાબુદાણાને ગરમ તેલમાં નાખીને ફુલાવી લો. પછી બટાકાનુ સૂકું છીણ પણ તેલમાં તળો. હવે તેમાં વાટેલા મગફળીના દાણા, લાલ મરચું, મીઠું અને દળેલી ખાંડ નાખીને મિક્સ કરી લો. સાબૂદાણાનો ચેવડો તૈયાર છે. આ ચેવડો તમે ચા સાથે સર્વ કરી શકો છો.

લીલો ચેવડો
લીલો ચેવડો
સામગ્રી 

- બસો ગ્રામ પાલક
-
અડધો કપ મેંદો
-
અડધો કપ ચણાનો લોટ
-
અડધો કપ શિંગદાણા
-
એક કપ પૌંઆ
-  
અડધો પ્‍યાલો લીલા સૂકા વટાણા
-
પા કપ કાબુલી ચણા
-
એક ચમચી ખાવાનો સોડા
-
છ નંગ લીલાં મરચાં
-
એક ચમચી જીરું
-
એક ચમચો તલ
-
પા નંગ સૂકું કોપરું
-
બે ચમચા કિશમિશ
-
વીસ નંગ કાજુ
-
એક ચમચી મીઠું
-
એક ચમચી ખાંડ
-
તેલ તળવા માટે

રીત

સૌપ્રથમ સો ગ્રામ પાલક ધોઈને વાટી નાખો. પછી તેમાંથી અડધી પાલક લઈ, તેમાં એક ચમચો તેલ, થોડું મીઠું અને મેંદો ભેગાં કરી લોટ બાંધી દો. બાકી વચેલી અડધી પાલકમાં એક ચમચો તેલ, થોડું મીઠું અને ચણાનો લોટ નાખી કઠણ લોટ બાંધી નાખો. લીલા વટાણા અને કાબુલી ચણાને જુદા જુદા વાસણમાં ખાવાના સોડા નાખેલા પાણીમાં ૬-૭ કલાક સુધી પલાળી રાખો. પછી તેમને બરાબર ધોઈ નાખી કપડા પર નાખી સૂકવી દો. કોપરાની લાંબી પાતળી ચિપ્‍સ કાપો. લીલાં મરચાં લાંબા પાતળાં કાપો. મેંદાવાળા લોટનો અડધો સેમી જાડો રોટલો વણી એના શક્કરપારા કાપી ધીમી આંચે તળી નાખો. ચણાના અડધા લોટને વણીને એના લાંબા પાતળા ટુકડા કાપી તળી નાખો. બાકી બચેલા લોટમાં પાણી ભેળવી એની બુંદી તળી નાખો. ચણા, વટાણા, પૌઆ અને સીંગદાણા પણ તળી નાખો. વધેલી આખી પાલકનાં પાન પણ ગરમ તેલમાં કરકરા તળી નાખો. કોપરું, તલ અને લીલાં મરચાં અડધી ચમચી તેલમાં શેકી નાખો. બધા મસાલા અને બીજી વસ્‍તુઓ મિક્સ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ લીલો ચેવડો. 

મમરાનો ચેવડો
મમરાનો ચેવડો
સામગ્રી

- અઢીસો ગ્રામ મમરા
-
અડધો કપ શેકેલા શિંગદાણા
-
પા કપ કાજુના ટુકડા
-
પોણો કપ શેકેલા દાળિયા
-
અડધો કપ સૂકા નાળિયેરના ટુકડા
-
પાંચ નંગ લીલા મરચાં
-
બે ડાળખી મીઠો લીમડો
-
એક ટીસ્પૂન ખાંડ
-
પા ટીસ્પૂન હળદર
-
અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર
-
પાંચ ટીસ્પૂન તેલ
-
મીઠું સ્વાદ અનુસાર

રીત

સૌપ્રથમ એક ઊંડી અને જાડા તળિયાવાળી કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં દાળિયા ઉમેરીને તળી લો. તળાઇ જાય એટલે તેલમાંથી કાઢીને એકબાજુ મૂકી દો. ત્યારબાદ એ જ તેલમાં કાજુના ટુકડા લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો. તેને પણ કાઢીને એકબાજુ મૂકી દો. હવે મરચાં તળી લો. ક્રિસ્પી થાય એટલે તેલમાંથી કાઢીને એકબાજુ મૂકો. હવે તેલમાં મીઠો લીમડો ઉમેરો.  તેલમાં શિંગદાણા ઉમેરો. તળાય જાય એટલે કાઢીને તેને પણ એકબાજુ મૂકો. હવે એક મોટા મિક્સિંગ બાઉલમાં બધી જ સામગ્રી એક પછી એક ઉમેરો. તેમાં હળદર, મીઠું, ખાંડ અને લાલ મરચું પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. છેલ્લે તેમાં મમરા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ મમરાનો ચેવડો.



http://kirtikumarraval.blogspot.in/
 

No comments: